Temple is now open for devotees between 8 AM to 7:30 PM Everyday. On tuesday and saturday it is up to 10:30 PM
menu
  • પ્રાગટ્ય દિવસ
  • શ્રી હનુમાનજીનું સુગ્રીવ સાથે મિલન
  • શ્રી રામ અને શ્રી હનુમાનજી નું મિલન
  • લંકા દહન
  • શ્રી રામ અને રાવણ યુદ્ધ
  • અહિરાવણ વધ
  • રઘુ નંદન (શ્રી રામ ) પ્રિય ભક્ત હનુમાનજી
પ્રાગટ્ય દિવસ

કલ્પભેદથી કોઈ ભક્તો ચૈત્ર સુદ 1 મધા નક્ષત્ર માને છે. કોઈ કારતક વદ 14, કોઈ કારતક સુદ 15, કોઈ મંગળવાર તો કોઈ શનિવાર માને છે. પણ ભાવુક ભક્તો માટે પોતાના આરાધ્યદેવ માટે બધી તિથિ શુભ અને શ્રેષ્ઠ છે.

ભગવાન શિવ, શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રીરામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે તેમની શ્રીરામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ અગિયારમાં રૂદ્રથી શુભતિથિ અને શુભ મૂહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું. મૂળ અગીયારમાં રૂદ્ર ભગાવન શિવના અંશજ, ભગવાન શ્રી વિષ્ણુની (શ્રી રામના રૂપમાં) સહાયતા માટે પ્રગટ્યા.

શ્રી અંજનીમાતાના પતિ શ્રી કેસરી હોવાથી શ્રી હનુમાનજી મહારાજ કેસરી નંદન પણ કહેવાયા.

શ્રી હનુમાનજીની બાલ્યાવસ્થા અને તેની કથાઓ

માતા શ્રી અંમાતા શ્રી અંજની અને કપિરાજ શ્રી કેસરી હનુમાનજીને અતિશય પ્રેમ કરતા. શ્રી હનુમાનજીને સુવડાવીને ફળ-ફૂલ લેવા ગયાં હતા. આ સમયે બાળ હનુમાનને ભૂખ લાગી અને માતાની અનુપસ્થિતિમાં ભૂખથી આક્રંદ કરવા લાગ્યા. આ દરમ્યાન અચાનક તેમની નજર ક્ષિતિજ પર પડી. સૂર્યોદય થઈ રહ્યો હતો. બાળ હનુમાનને થયું કે આ કોઈ લાલ ફળ છે. (તેજ અને પરાક્રમ માટે કોઈ અવસ્થા નથી. અહીં તો શ્રી હનુમાનજી રૂપમાં માતાશ્રી અંજનીના ગર્ભથી પ્રત્યક્ષ શિવશંકર અગીયારમાં રૂદ્ર લીલા કરી રહ્યા હતા અને શ્રી પવનદેવે પણ અગાઉથી જ તેમને ઉડવાની શક્તિ પ્રદાન કરી હતી.)

આ લાલ ફળને લેવા માટે હનુમાનજી વાયુવેગે આકાશમાં ઉડવા લાગ્યા. એમને જોઈ તમામ દેવો, દાનવો વિસમયતાપૂર્વક કહેવા લાગ્યા કે બાલ્યાવસ્થામાં આવું પરાક્રમ કરનાર યૌવનકાળમાં શું નહીં કરે?

શ્રી વાયુદેવે પોતાના પુત્રને સૂર્યની સામે જતા જોઈને ચિંતા થવા લાગી કે ક્યાંક મારા પુત્રને આ સૂર્યના કિરણો બાળી ન નાંખે, એ સળગી ન જાય. એના કારણે શ્રી પવનદેવ પોતે પણ બરફ જેવા શીતળ થઈ વહેવા લાગ્યા. જો કે ભગાવન શ્રી સૂર્યદેવને પણ અલૌકિક બાળક શ્રી હનુમાનને પોતાની તરફ આવતા જોઈ તેમને ઓળખતા વાર ના લાગી કે આ તો પવનપુત્ર છે, જે એમના પિતાના જેટલા જ વેગથી મારી તરફ આવી રહ્યા છે અને સાથે શ્રી પવનદેવ પણ એમના પુત્રની સાથે રક્ષા માટે ઉડી રહ્યા છે.

સૂર્યદેવને પોતાનું સૌભાગ્ય સમજાયું કે સ્વયં ભગવાન શિવશંકર, હનુમાનના રૂપમાં મને કૃતાર્થ કરવા આવી રહ્યા છે. તો શ્રી હનુમાનજીને સૂર્યદેવ તરફથી આવકાર મળ્યો ને બાળક હનુમાનજી સૂર્યદેવના રથ સાથે રમવા લાગ્યા. સંયોગ એવો હતો કે એ દિવસે અમાસ હતી અને સંહિક્ષનો પુત્ર રાહુ સૂર્યદેવને ગ્રસવા આવ્યો. રાહુએ જોયું કે શ્રી સૂર્યદેવના રથ પર કોઈ બાળક છે. તે છતાં રાહુ બાળકની ચિંતા ક્રયા વગર સૂર્યને ગ્રસવા આગળ વધ્યો જ હતો ત્યાં તો શ્રી હનુમાનજીએ રાહુને પકડ્યો, હનુમાનજીની મુઠ્ઠીમાં રાહુ તરફડવા લાગ્યો અને પ્રાણ બચાવી ભાગ્યો અને ઇન્દર્દેવ પાસે પહોંચ્યો અને તેમની ફરિયાદ કરી સૂર્ય મારો જે ગ્રાસ છે તેમને તમે બીજાને ગ્રસવાનો અધિકાર કેમ આપ્યો. એમ કહી રૂદન કરવા લાગ્યો. ઈન્દ્રદેવ ચિંતતીત થયા કે આ કોણ હશે કે જે રાહુ જેવા પરાક્રમીને પણ મહાત કરે.

શ્રી ઈનદ્રદેવ પોતે ઐરાવત હાથીને લઈ ઘટનાસ્થળ પર પહોંચ્યા. ત્યાં રાહુને જોઈ ફરીથી શ્રી હનુમાનજીએ તેને પકડ્યો. રાહુ ફરી તેમનાથી બચીને ભાગવા લાગ્યો અને ઈન્દ્રદેવ પાસે પહોંચ્યો. ત્યારે રાહુની પાછળ શ્રી હનુમાનજી પણ તેની પાછળ ભાગયા ત્યારે ત્યાં શ્રી હનુમાનજીએ ઈન્દ્રદેવનું વાહન ઐરાવતને જોઈ તેને કોઈ ખાદ્યપદાર્થ સમજી ઐરાવત પર તૂટી પડ્યા. ઈન્દ્રદેવ પણ બાળકની તાકાત જોઈને ડરવા લાગ્યા અને ત્યારે જ પોતાની રક્ષા માટે હનુમાનજી પર પોતાના હથિયાર વજ્રનો પ્રહાર કર્યો, જે હનુમનજીની દાઢી પર વાગ્યો, (જેને સંસ્કૃતમાં હનુ(દાઢીને) કહેવામાં આવે છે. અને તેથી જ હનુમાનજીનું નામ “હનુમાન’’ પડ્યું.) અને હનુમાનજી મૂર્છિત થયા. તો પોતાના પ્રાણપ્રિય પુત્રને વજ્રના આઘાતથી તરફડતા જોઈ વાયુદેવે પોતાનો વેગ રોકી લીધો, તેમને વાયુની ગતિ રોકી લીધી અને પોતાના પુત્રને ગુફામાં લઈ જતા રહ્યા.

આમ થતાની સાથે જ ત્રણે લોકમાં વાયુનો સંસાર બંધ થઈ ગયો. સમસ્ત પ્રાણીઓમાં શ્વાસ સંચાર બંધ થયો બધા જ કર્મ રોકાઈ ગયા, પ્રાણ સંકટમાં પડી ગયા. ઈન્દ્ર આદી દેવો, અસુરો, ગન્ધર્વ, નાગ આ બધા જીવનરક્ષા માટે બ્રહ્માજી પાસે દોડ્યા. બ્રહ્માજી બધાને સાથે લઈ ગિરીગુફામાં પહોંચ્યા અને ત્યાં જઈને બાળક હનુમાનને શ્રી પવનદેવના હાથમાંથી લઈ પોતાના ખોળામાં જ્યારે લીધા ત્યારે હનુમાનજીની મૂર્છા દૂર થઈ અને તે બેઠા થઈ ફરી રમવા લાગ્યા. પોતાના પુત્રને જીવંત જોઈ પ્રાણસ્વરૂપ શ્રી પવનદેવ પહેલાની જેમ સરળતાથી વહેવા લાગ્યા અને ત્રણેય લોક ફરી જીવંત થયા.

ત્યારે શ્રી બ્રહ્માજીએ શ્રી હનુમાનજીને વરદાન આપ્યું કે આ બાળકને બ્રહ્મશાપ નહિ લાગે, કયારેય એમનું એકેય અંગ પણ શસ્ત્રથી નહિ કપાય, બ્રહ્માજીએ અન્ય દેવતાઓને પણ કહ્યું કે આ બાળકને આપ પણ વરદાન આપો ત્યારે દેવરાજ ઈન્દ્રે હનુમાનજીના કંઠમાં કમળની માળા પહેરાવી કહ્યું કે મારા વજ્રના પ્રહારથી આ બાળકની હુ(દાઢી) તૂટી છે એટલે આ કપિશ્રેષ્ઠનું નામ આજથી હનુમાન રહેશે અને મારું વજ્ર પણ આ બાળકને નુકશાન પહોંચાડી શકેશે નહીં એટલું વજ્રથી પણ કઠોર આ બાળકપિ થશે. શ્રી સૂર્યદેવે પણ કહ્યું કે આ બાળકને હું મારું તેજ પ્રદાન કરું છુ અને હું આને શાસ્ત્ર-સમર્થ મર્મજ્ઞ બનાવુ છું. આ બાળક એક અદ્વિતિય વિદ્વાન અને સર્વશ્રેષ્ઠ વક્તા થશે. શ્રી વરુણદેવે કહ્યું કે આ બાળક જળથી સદા સુરક્ષિત રહેશે. શ્રી યમદેવે કહ્યું કે આ બાળક સદા નિરોગી અને મારા દંડથી મુક્ત રહેશે. શ્રી કુબેરે કહ્યું કે યુદ્ધમાં કદી વિષાદીત નહિ થાય અને રાક્ષસોથી પરાજીત પણ નહિ થાય. ખુદ ભોળાનાથ શિવશંકરે પણ અભય વરદાન પ્રદાન કર્યું. શ્રી વિશ્વકર્માએ પણ કહ્યું કે મારા દ્વાર નિર્મિત તમામ શસ્ત્ર અને વસ્તુઓથી પણ સુરક્ષિત રહેશે. શ્રી બ્રહ્માજીએ પુનઃ વરદાન આપ્યું કે પવનદેવ, આપનો આ પુત્ર શત્રુઓ માટે ભયંકર અને મિત્રો માટે અભયદાતા બની રહેશે અને ઈચ્છારૂપ ધારણ કરી શકશે. જ્યાં જવા ઈચ્છશે ત્યાં જઈ શકશે. એને કોઈ પરાજીત નહિ કરી શકે એવો અસિમ યશસ્વી થશે અને અદભુત કાર્યો કરશે.

આમ, બાળપણમાં શ્રી હનુમાનજી ચંચળ અને નટખટ સ્વભાવના હતા. હાથીની શક્તિ માપવા હાથીને પકડતા અને ઊંચકી એમની શક્તિનું પ્રદર્શન કરતા. મોટામોટા વૃક્ષોને પણ જડમૂળમાંથી ઉખાડી ફેંકતા એવી અતુટ શક્તિ એમનામાં હતી. એવું કોઈ શિખર ન હતું કે જેના ઉપર શ્રી હનુમાનજીએ છલાંગ ન મારી હોય.

કોઈકવાર ઋષિમુનિઓના આશ્રમમાં પહોંચી જતા અને નાદાન અટકચાળા કરતા કે જેનાથી ઋષિમુનિઓની તપસ્યા અને વ્રતમાં ભંગ પડતો. ઋષિમુનિઓના કમંડળ, આસન વગેરે ઝાડ પર લટકાવી દેતા, આમ અનેક અડચણો ઉભી કરતા. આયુ વધતાની સાથે શ્રી હનુમાનજીની નટખટતા પણ વધતી ગઈ તેથી તેમના માતા-પિતા પણ ચિંતિત થયા. ત્યાર પછી તેઓ ઋષિ પાસે પહોંચ્યા અને ઋષિઓને હનુમાનજીની ગાથા તેઓને સંભળાવી, ત્યારે વાનરરાજ કેસરીએ કહ્યું કે અમને આ બાળક કઠોર તપના પ્રભાવથી પ્રાપ્ત થયો છે. આપ એના પર અનુગ્રહ કરો એવી કૃપા કરો કે જેનાથી એમની આ નટખટતામાં પરિવર્તન થાય. ઋષિઓએ વિચાર્યું કે જો શ્રી હનુમાનજી એમનું બળ ભૂલી જાય તો આવા તોફાન નહીં કરે અને એમનું હિત પણ એમાં જ સમાયેલું છે. ઋષિઓ જાણતા હતા કે આ બાળક શ્રી રામના કાર્ય માટે જનમ્યો છે અને એમનું સંસ્કારી બળ વધુ કરવાની જરુર છે. આમ વિચારીને ભૃગુ અને અંગિરાના વંશમાં ઉત્પન્ન થયેલા ઋષિમુનિઓએ શ્રી હનુમાનજીને શ્રાપ આપ્યો કે વાનરવીર તને તારા બળનું અને તેજનું ધ્યાન નહીં રહે અને જ્યારે કોઈ તારી કીર્તિ અને બળનું સ્મરણ કરાવશે ત્યારે તારું બળ વધશે. આવા શ્રાપથી શ્રી હનુમાનજીનું બળ અને તેજ ઓછું થઈ ગયું અને એ સૌમ્ય સ્વભાવના થઈ ગયા. આથી, ઋષિઓ પણ પ્રસન્ન થયા.

ત્યારબાદ શ્રી હનુમાનજીના ઉપનયન સંસ્કાર થયા. ભગવાનશ્રી સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા. સમસ્ત વેદશાસ્ત્ર, ઉપશાસ્ત્ર સવિધિ શિક્ષાપ્રાપ્ત કરી અને શ્રી સૂર્યનારાયણ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરતાં કરતાં શ્રી હનુમાનજીએ હર હંમેશ શ્રી રામનામ અને એમનું સ્મરણ કર્યે રાખ્યું. શ્રી રામના સ્મરણમાં જાણે શ્રી હનુમાનજી ભક્તિમય થઈ ગયા.

આમ, શ્રી હનુમાનજીનું બચપણ ખૂબ જ વિશિષ્ટ અને અદભૂત રહ્યું.

શ્રી હનુમાનજીનું સુગ્રીવ સાથે મિલન

શ્રી હનુમાનજીનું સુગ્રીવ સાથે મિલન પણ અગાઉથી જ નિશ્ચિત હતું.

શ્રી સૂર્યનારાયણજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કર્યા બાદ શ્રી હનુમાનજીએ ગુરુદક્ષિણાના સ્વરુપે શ્રી સૂર્યનારાયણને શું પ્રદાન કરે એમ પૂછયું ત્યારે શ્રી સૂર્યનારાયણે જવાબ આપ્યો કે મારે કંઈ જોઈતું નથી પણ તે છતાં મને એક વચન આપો કે મારા અંશથી ઉત્પન્ન થયેલા વાલીના નાના ભાઈ સુગ્રીવની તું રક્ષા કરીશ અને તેમને સાથ આપીશ. ત્યારે હનુમાનજીએ વિનમ્રતાથી કહ્યું કે મારા રહેતા સુગ્રીવનો કોઈ પણ વાળ વાંકો નહિ કરે અને હું તેમની સાથે રહીને તેમની રક્ષા કરીશ આ મારી પ્રતિજ્ઞા છે. આમ, શ્રી હનુમાનજી ગન્ધમાદત પર્વત પરથી પરત તેમના માતા-પિતા પાસે પાછા આવ્યા હતા.

ઋક્ષરની વાનરાને બે પુત્ર હતા – વાલી અને સુગ્રીવ. બંને બાકને તેમના પિતા ખૂબ જ પ્રેમ કરતા. બંને ખૂબ જ બુદ્ધિમાન અને સુંદર હતા. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. સુગ્રીવ પણ વાલીને પિતા સમાન સમ્માન આપતા. જ્યારે પિતા દિવંગત થયા ત્યારે મંત્રીઓએ વાલીને શ્રેષ્ઠ જાણી રાજ્યપદ આપ્યું. સમય વિતતા બંને ભાઈઓ છૂટા પડયા અને સુગ્રીવને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેઓ જ્યારે મુશ્કેલીમાં મૂકાયા એજ અરસામાં વાનરરાજ કેસરીએ શ્રી હનુમાનજીને રાજનીતિનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે પમ્પાપુર મોકલ્યા અને ત્યારે શ્રી હનુમાનજી અને સુગ્રીવનું મિલન થયું.

શ્રી રામ અને શ્રી હનુમાનજી નું મિલન

સુગ્રીવ વાલીના ભયથી મતંગ ઋષિના આશ્રમ પાસે જતા રહ્યા. ત્યાં ઋષિના શ્રાપના કારણે વાલી આવી શકતા નહતા. સુગ્રીવ અને શ્રી હનુમાનજી વાનરસેના સાથે નિવાસ કરતા હતા ત્યારે સીતાજીની શોધમાં ફરતાં ફરતાં શ્રી રામ અને લક્ષ્મણ ત્યાં આવી પહોંચ્યા. સીતાજી કે જેમને રાવણ ઉપાડી પોતાની લંકામાં લઈ ગયો હતો અને ત્યાં તેમને કેદ કરેલા હતા.

શ્રી રામ-લક્ષ્મણને ઋષિમૂક પર્વત તરફ આવતા જોઈ સુગ્રીવને ચિંતા થવા લાગી કે વાલીએ મારવા માટે બે તેજસ્વી વીરોને મોકલ્યા લાગે છે. તો સુગ્રીવે વ્યાકુળ થઈને શ્રી હનુમાનજીને તપાસ કરવા માટે મોકલ્યાં. શ્રી હનુમાનજીએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને શ્રી રામ-લક્ષ્મણની નજીક ગયા.

શ્રી રામના દર્શન માત્રથી જ શ્રી હનુમાનજીનું મસ્તક સ્વયં શ્રી રામજીના ચરણોમાં ઝુકી ગયું અને પછી શ્રી હનુમાનજીએ નમ્રતાથી પૂછ્યું, આપ કોણ છો ? શ્રી રામે પોતાનો અને લક્ષ્મણનો પરિચય આપ્યો. ત્યારબાદ શ્રી હનુમાનજીએ બ્રાહ્મણનું રુપ ત્યજી મૂળરુપમાં આવી પોતાનો પરિચય આપી વાલી-સુગ્રીવની કથા સંભળાવી. શ્રી રામે પણ પોતાની કથા કહી સંભળાવી અને આમ ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાનજીનું મિલન થયું.

આ એક અનોખી ઘટના હતી અને આ માટે જ શ્રી હનુમાનજીનું સર્જન થયું હતું.

લંકા દહન

જ્યારે રાવણ સીતામાતાને લંકામાં લઈ ગયો હતો તે દરમ્યાન સીતામાતા રાવણના રથ પર મદદ માટે બૂમો પાડતાં રહ્યાં. ત્યારે જટાયુ ગરુડે એમને રાવણ પાસેથી છોડાવવાની ઘણી કોશિશ કરી પણ જટાયુ સીતામાતાને રાવણ પાસેથી છોડાવી શકયા નહિ અને રાવણ સાથેની લડાઈમાં જટાયુની પાંખો પણ કપાઈ ગઈ. જ્યારે શ્રી રામ – લક્ષ્મણ, સુગ્રીવ અને શ્રી હનુમાનજી સીતામાતાની શોધમાં જંગલમાં ફરતા હતા ત્યારે તેઓએ જટાયુની પાંખો જોઈને ચિંતા વ્યક્ત કરી અને જટાયુએ તેઓને જણાવ્યું કે રાવણ સીતામાતાને લંકામાં લઈ ગયો છે.

શ્રીરામ અને સુગ્રીવે સીતામાતાને પોતાનો સંદેશો આપવા શ્રી હનુમાનજીને પસંદ કર્યા. શ્રી હનુમાનજીને પસંદ કરવાનો હેતુ અત્યંત વ્યાજબી હતો. શ્રી હનુમાનજી વ્યાકરણમાં એવા ચતુર અને નિષ્ણાત હતા કે રાવણને એ સીતામાતાને છોડવા માટે બખૂબી કહી શકતા હતા અને લંકા સુધીની કઠિન સફર લંકા તરફનો લાંબો સમુદ્ર ઓળંગવાની શક્તિ અને બીજી અનેક અનેરી તાકાતથી શ્રી હનુમાનજી સક્ષમ હતા. શ્રીરામ અને સુગ્રીવ તેમની આ ખૂબીઓ જાણતા હતા.

શ્રી હનુમાનજી માટે આ એક ખૂબ જ જવાબદારીપૂર્વકનું કાર્ય હતું અને પોતાના પ્રભુ શ્રીરામ માટે કઈ પણ કરી છૂટવાની તેમની તૈયારી હતી. એમને તો પ્રભુ શ્રીરામને પોતે સીતાજીને ત્યાંથી લઈ આવવાની વિનંતી કરી. પરંતુ પ્રભુ શ્રી રામ પણ આ સમગ્ર ઘટના માટે જ સર્જાયા થયા હતા અને શ્રી રામે શ્રી હનુમાનજીને લંકા સીતામાતાને સંદેશો પહોંચાડવા પોતાની ઓળખ સ્વરુપ વીંટી આપી મોકલ્યા.

શ્રી હનુમાનજીએ આ કાર્ય સ્વીકાર્યું તો ખરું પણ તે હજી પણ બાળપણમાં મળેલા ઋષિના શ્રાપમાંથી મુક્ત થયા ન હતા. તેથી તેમની શક્તિઓ સીમિત હતી. જ્યારે દરિયા કિનારે હનુમાનજી ચિંતિત અવસ્થામાં વિચારતા હતા કે આ કાર્ય હું કઈ રીતે પાર પાડીશ. ત્યારે વાનરસેનાના વિદ્વાન એવા શ્રી જાંબુવને શ્રી હનુમાનજીને એમની બધી શક્તિઓનું સ્મરણ કરાવ્યું અને શ્રાપના નિયમ મુજબ જો તેમને તેમની શક્તિઓનું કોઈક સ્મરણ કરાવે તો તેઓ તમામ શક્તિઓ પાછી મેળવી શકશે, તે મુજબ એમની બધી શક્તિઓ પાછી મળી. શક્તિ પાછી મેળવતા જ મહાવીર એવા શ્રી હનુમાનજીએ ભવ્ય વિરાટ સ્વરુપ ધારણ કર્યું. સમસ્ત વાનરસેના શ્રી હનુમાનજીનું આ સ્વરુપ જોઈને દંગ જ રહી ગઈ. વાનરસેનાએ શ્રી હનુમાનજીને નમન કર્યા અને “જય શ્રી રામ” અને “જય હનુમાન”ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજાવ્યુ.

વિશાળ ગર્જના કરીને પ્રભુ શ્રી રામનું નામ લઈ શ્રી હનુમાનજીએ લંકા તરફ પ્રયાણ કર્યું. લંકા જવા તરફનો વિશાળ સમુદ્ર હતો અને સાથે સાથે શ્રી હનુમાનજીને ઘણી અડચણો પણ નડી. રાક્ષસો-રાક્ષસીઓ, દાનવો વગેરે શ્રી હનુમાનજીના કાર્યમાં વિઘ્નો નાખતા રહ્યા પણ મહાવીર શ્રી હનુમાનજી ચતુરતા અને શક્તિપૂર્વક તમામ વિઘ્નોને માત આપી આગળ વધતા જ રહ્યા અને આખરે શ્રી હનુમાનજી લંકા પાસે પહોંચી ગયા. સોનાની લંકાની ભવ્યતા જોઈ શ્રી હનુમાનજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લંકામાં પ્રવેશવાનો પહેરો અત્યંત સખ્ત હતો. ઠેર ઠેર રાવણના દાનવોનો પહેરો હતો. છતાં શ્રી હનુમાનજીએ ચતુરાઈપૂર્વક સુક્ષ્મ (નાનું) સ્વરુપ ધારણ કરી લંકામાં પ્રવેશ કર્યો. સોનાની લંકા અતિ વિશાળ અને અટપટી હતી. શ્રી હનુમાનજીએ સીતામાતાની શોધ શરુ કરી. રાત્રીનો સમય હતો અને આ અટપટી લંકામાં સીતામાતાને રાવણે ક્યાં છુપાવ્યા હશે તે શોધવું કઠીન હતું. લંકાના એક એક શયનખંડમાં શોધખો કરતા શ્રી હનુમાનજી વિભીષણના શયનખંડ પાસે પહોંચ્યા. વિભીષણ રાવણનો નાનો ભાઈ હતો અને શ્રી રામનો ભક્ત હતો.

વિભીષણ દ્વારા શ્રી રામનામ સાંભળીને શ્રી હનુમાનજીને ખૂબ જ કૂતુહલ થયું અને વિભીષણને યોગ્ય પાત્ર ગણીને તેમને સીતામાતાને રાવણે ક્યાં છુપાવી રાખ્યા છે તે પૂછવાનું વિચાર્યું. બ્રાહ્મણવેશ ધારણ કરીને તે વિભીષણને રુબરુ મળ્યા અને વિભીષણને સજ્જન તથા પોતાના પ્રભુ શ્રી રામના ભક્ત જાણ્યા ત્યારે શ્રી હનુમાનજીએ પોતાનું મૂળ સ્વરુપ ધારણ કરી વિભીષણને પોતાનો પરિચય આપી તેઓશ્રીનું લંકા આગમનનું પ્રયોજન જણાવ્યું. વિભીષણે તરત જ શ્રી હનુમાનજીને જાણી લીધા કે તે સ્વયં શિવશંકરના અંશ છે તથા તેમને પ્રમાણ કરી ત્યારબાદ પોતે તેમને મળીને ખૂબ જ ધન્ય થયા છે તેમ જણાવી, સીતામાતા અશોકવાટીકામાં છે તેમ જણાવ્યું. ત્યારબાદ શ્રી હનુમાનજી તરત જ અશોકવાટીકા તરફ પહોંચ્યા અને ત્યાં સીતામાતાને પ્રભુ શ્રી રામની ચિંતામાં મગ્ન બેઠેલાં જોયાં. રાક્ષસી સમક્ષ પોતાની કથા અને પોતે શ્રી રામ વગર કેટલા દુ:ખી છે તેની વાત સંભળાવતા સીતામાતાને જોઈ શ્રી હનુમાનજીની આંખોમાંથી પણ આંસુ આવી ગયા.

શ્રી હનુમાનજીએ જ્યારે તમામ રાક્ષસીઓ નિંદ્રાધીન થઈ ત્યારે શ્રી રામે આપેલી વીંટી એમની પાસે નાંખી. શ્રી રામની વીંટી જોઈ સીતામાતા આનંદિત થઈ ગયા અને આસપાસ જોવા લાગ્યા તથા આકુળ-વ્યાકુળ થઈ ગયા. ત્યારે શ્રી હનુમાનજી સીતામાતાની સમક્ષ સુક્ષ્મ (નાનું) સ્વરુપ ધારણ કરી ઉપસ્થિત થયા અને શ્રી હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો. પહેલા તો સીતામાતાને આ રાવણની કોઈ માયાવી ચાલ હશે તેમ લાગ્યું પણ પછી શ્રી હનુમાનજીએ વિરાટ સ્વરુપ ધારણ કરી તેઓ શ્રી રામભક્ત છે તથા શ્રી રામ તેમને શીઘ્ર છોડાવી જશે એવો વિશ્વાસ અપાવ્યો. ત્યારબાદ શ્રી હનુમાનજીએ ભૂખ લાગી છે એમ જણાવીને સીતામાતાને નમન કરી આગળ વધ્યા. સીતામાતાએ પણ શ્રી રામ પ્રત્યેની હનુમાનજીની અગાઢ ભક્તિ જોઈ તેમને અજર અમરનું વરદાન આપ્યું.

ત્યારબાદ શ્રી હનુમાનજી પોતાની ભૂખને સંતોષવા અશોકવાટીકામાં આવેલા વૃક્ષોમાંથી ફળ ખાવા લાગ્યા. શ્રી હનુમાનજી જોત જોતામાં તો તમામ વૃક્ષના ફળ આરોગી ગયા. છતાં પણ વિરાટ એવા શ્રી હનુમાનજીની ભૂખ સંતોષાઈ નહિ તેથી એક પછી એક દરેક વૃક્ષોના ફળ ખાઈ અને વૃક્ષોને ઉખાડીને ફેંકવા લાગ્યા. જોત જોતામાં અશોકવાટીકા છિન્નભિન્ન થઈ ગઈ. જે જોઈ રાવણના અશોકવાટીકામાં રહેલા પહેરેદારોએ શ્રી હનુમાનજીને રોકવા માટે તેમના પર પ્રહારો શરુ કર્યા. શ્રી હનુમાનજીએ દરેક દાનવો અને રાક્ષસોને ઉંચકીને પછાડયા. તેમની શક્તિ જોઈ કેટલાક રાક્ષસોએ રાવણને સંદેશો પહોંચાડયો કે કોઈ વાનર અશોકવાટીકા ખેદાન-મેદાન કરવા લાગ્યો છે અને અનેક રાક્ષસોને પણ મારી નાખ્યા છે. ત્યારે રાવણના પુત્ર અક્ષયકુમારે પોતાના પિતાની પરવાનગી લઈ ઘટનાસ્થળ પર પહોચ્યા. પણ શ્રી હનુમાનજીને પરાસ્ત કરી શકે એવો કોઈ દાનવ હતો જ નહિ. યુદ્ધમાં શ્રી હનુમાનજીએ અક્ષયકુમારનો સંહાર કર્યો.

આ સાંભળી રાવણ ખૂબ જ દુ:ખી અને સાથે સાથે અત્યંત ક્રોધિત પણ થયો. આ જોઈ ઈન્દ્રજીત ગુસ્સામાં શ્રી હનુમાનજી પાસે પહોંચ્યો. ઈન્દ્રજીત પણ ઘણો વીર હતો. તેનું શ્રી હનુમાનજી સાથેનું યુદ્ધ ખૂબ જ લાંબુ ચાલ્યું. છેવટે કોઈ અસ્ત્ર કે શસ્ત્ર શ્રી હનુમાનજીનો વાળ પણ વાંકો ન કરી શક્યા ત્યારે નાછૂટકે ઈન્દ્રજીતને બ્રહ્માસ્ત્રનો સહારો લેવો પડયો. શ્રી હનુમાનજી બ્રહ્માસ્ત્રને પોતાની સામે આવતું જોઈ તેનું અપમાન ન થાય તે માટે જાતે જ બંદી બની ગયા અને ત્યારબાદ તેમને રાવણના દરબારમાં હાજર કરવામાં આવ્યા.

શ્રી હનુમાનજીએ રાવણને વિનમ્રતાપૂર્વક શ્રી રામનો સંદેશો જણાવ્યો, “હું શ્રી રામદૂત હનુમાન છું અને અહીં તમને શાંતિ સંદેશ સાથે કહું છું કે માતા સીતાને તમે મુક્ત કરો.” રાવણ પર અભિમાન છવાયેલું હતું. તેણે પોતાના મૂર્ખ મંત્રીઓની સલાહ માનીને શ્રી હનુમાનજીની પૂંછડી સળગાવી, સમગ્ર લંકામાં ફેરવવા અને અપમાનિત કરવાની સૂચના આપી.

શ્રી હનુમાનજીએ પોતાની પૂંછડી એટલી લાંબી કરી દીધી કે લંકાના બધા જ કપડાં ઓછાં પડી ગયા અ દરેક દાનવો પૂંછડી બાંધતા બાંધતા થાકી ગયા. છેવટે શ્રી હનુમાનજીએ પોતાની પૂંછડી સળગાવવા દીધી. ત્યારપછી શ્રી હનુમાનજીએ વિરાટ સ્વરુપ ધારણ કરી તમામને દંગ કરી દીધા અને ત્યારબાદ લંકાના તમામ મહેલ, શયનખંડો અને દરેક વસ્તુઓ સળગાવી દીધી. શ્રી હનુમાનજીની પૂંછડી પર લગાવેલ આગથી અશોકવાટીકા અને વિભીષણના મહેલ સિવાય પૂરી લંકા ભડકે બળવા લાગી. ત્યારબાદ સમુદ્રમાં પૂંછડીની આગ બુઝાવી. શ્રી હનુમાનજી સીતામાતાને વંદન કરી તેમની આજ્ઞા લઈ શ્રી રામ પાસે પરત આવવા રવાના થયા. માતા સીતાજીએ પણ પોતાના ચૂડામણી શ્રી હનુમાનજીને આપી પોતાની યાદ પ્રભુ શ્રીરામને પાઠવી.

શ્રી હનુમાનજીને પરત આવતા જોઈ શ્રી રામ – લક્ષ્મણ, સુગ્રીવ અને સમસ્ત વાનરસેનાના આનંદનો પાર ન રહ્યો અને જયશ્રી રામ અને જયશ્રી હનુમાનજીના નારા ગુંજવા લાગ્યા. શ્રી હનુમાનજીએ શ્રી રામને સંપૂર્ણ કથા સંભળાવી. સીતામાતાએ આપેલ ચૂડામણી આપ્યા. સીતામાતાનું દુ:ખ જોઈને સમસ્ત વાનરસેના અને શ્રી રામ-લક્ષ્મણની આંખમાં આંસુ આવી ગયા.

શ્રી રામે, શ્રી હનુમાનજીને આ કાર્ય સફળ રીતે પાર પાડવા બદલ અને તેમનો ઉપકાર હંમેશા શ્રી રામ પર રહેશે આમ કહી તેમને વધાવીને હૃદય મિલન કર્યું.

શ્રી હનુમાનજી ગદ્ ગદ્ થઈ ગયા અને ખૂબ જ પ્રસન્નતા અનુભવવા લાગ્યા.

શ્રી રામ અને રાવણ યુદ્ધ

વિભીષણે વારંવાર સમજાવ્યા છતાં પણ રાવણે સીતામાતાને મુક્ત ન કર્યા. પરિણામે રાવણ સાથેનું શ્રી રામનું યુદ્ધ નક્કી જ હતું. સુગ્રીવે પૂરી વાનરસેનાને શ્રી રામ-લક્ષ્મણને આ યુદ્ધમાં સહાય કરવાની સૂચના આપી. આમ પણ પૂરી વાનરસેના પ્રભુ શ્રી રામ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતી. રાવણ દ્વારા પોતાના અપમાન બદલ અને સીતામાતાને બંધનમાંથી મુક્ત ન કરવા બદલ વિભીષણ શ્રી રામની શરણે આવી ગયા. શ્રી રામે પણ તેમને આવકારીને વધાવી લીધા. વિભીષણ શ્રી રામના દર્શન પામી પોતાને ધન્ય સમજયાં.

સમસ્ત વાનરસેના, સુગ્રીવ, શ્રી હનુમાનજી અને શ્રી રામ-લક્ષ્મણ સમક્ષ લાંબો સમુદ્ર પાર કરી લંકા સુધી પહોંચવાનું વિઘ્ન હતું. શ્રી રામે જળદેવતા (સમુદ્ર)ને વિનંતી કરી અને સમગ્ર વાનરસેના સહિત તમામને રસ્તો આપવા વિનંતી કરી. પણ સમુદ્ર માટે એ અશક્ય હતું કેમ કે જો એ આમ કરે તો સમુદ્રની અંદર વસતા તમામ જીવો મૃત્યુ પામે. તેથી સમુદ્રદેવે શ્રી રામની માફી માંગી અને આજીજી કરી કે તેઓ સમુદ્ર પર પુલ બાંધી રસ્તો પાર કરે અને જણાવ્યું કે નલ અને નીલ વાનરને વરદાન હતું કે તેમના હાથથી જળમાં ફેંકાયેલી વસ્તુ ડૂબશે નહિ. બસ પછી તો શ્રી હનુમાનજીએ તથા તમામ વાનરસેનાએ મોટા મોટા પથ્થરો ઉપાડી શ્રી રામનામ પથ્થરો પર લખી નલ અને નીલને આપવા લાગ્યા અને પુલ બનતો ગયો અને તેઓ સૌ આગળ વધવા લાગ્યા. શ્રી રામનામ લેતા લેતા પુલ તૈયાર થઈ ગયો અને શ્રી રામ-લક્ષ્મણ, શ્રી હનુમાનજી, સુગ્રીવ સહિત વાનરસેના સમુદ્ર પાર કરી લંકા આવી પહોંચી.

લંકા આવ્યા બાદ લંકાને ઘેરી લીધા પછી શ્રી રામે ફરીથી શાંતિ સંદેશ પાઠવવા માટે સુગ્રીવ પુત્ર અંગદને રાવણ પાસે મોકલ્યો. અંગદના કહેવા પછી પણ રાવણ પોતાના અભિમાનમાંથી બહાર ન આવ્યો અને આથી શ્રી રામ અને રાવણની સેના વચ્ચે મહાયુદ્ધ થયું. શ્રી હનુમાનજી યુદ્ધમાં શ્રી રામ-લક્ષ્મણના ડગલે અને પગલે ઉભા રહ્યા અને અનેક દાનવોને માત કર્યાં. જ્યારે શ્રી રામ અને તેમની સેના રાવણ પર ભારે પડવા લાગી તો રાવણે પોતાના ભાઈ કુંભકર્ણનો સહારો લીધો. કુંભકર્ણ મહાકાય અને તાકાતવાળો હતો. તે પણ શ્રી રામનો ભક્ત હતો પણ પોતાના ભાઈ રાવણની આજ્ઞાનું પાલન ગણી તે યુદ્ધમાં ઉતર્યો. પણ શ્રી રામના બાણથી તેનો પણ વધ થયો.

પછી મેઘનાથ કે જે વરદાનોથી પ્રભાવિત અને નિપુણ હતો. તેની સાથેના યુદ્ધમાં લક્ષ્મણ તેના બાણોથી ઘવાયો. શ્રી રામ પોતાના વહાલસોયા ભાઈ લક્ષ્મણની આ હાલત જોઈ ચિંતામાં ડૂબી ગયા અને લક્ષ્મણ મૂર્છામાંથી પાછો ન ફરતા તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યા. ત્યારે વિભીષણે શ્રી હનુમાનજીને લંકામાંથી વૈદ્યરાજને બોલાવી લાવવા કહ્યું. વૈદ્યરાજે લક્ષ્મણને તપાસ્યા અને સંજીવની બુટી જ લક્ષ્મણને મૂર્છામાંથી પાછા લાવી શકે તેમ જણાવ્યું. સંજીવની બુટી ઉત્તરમાં હિમાલય પર્વત પર આવેલી હતી. આ કાર્ય શ્રી હનુમાનજી સિવાય અશક્ય હતું. પછી શ્રી હનુમાનજી, શ્રી રામના ચરણોને નમન કરી જય શ્રી રામના નારા સાથે સંજીવની બુટી લેવા ઉડયા. ત્યાં પહોંચ્યા પછી સંજીવની બુટીની ભાળ ન હોવાથી શ્રી હનુમાનજી આખો પર્વત જ હિમાલયથી ઉપાડીને ઘટનાસ્થળે લઈ આવ્યા અને આમ લક્ષ્મણના પ્રાણ બચી ગયા. ત્યારબાદ યુદ્ધમાં આગળ જતાં શ્રી હનુમાનજીએ વિરાટ સ્વરુપ ધારણ કરી પોતાના હાથ પર શ્રી લક્ષ્મણને બેસાડયા અને લક્ષ્મણે મેઘનાથનો વધ કર્યો.

અહિરાવણ વધ

યુદ્ધમાં જ્યારે પોતાના પુત્રો અને ભાઈઓ ગુમાવી દેતા એકલા રાવણે શ્રીરામને મારવા પાતાળપુરીના રાજા અહિરાવણને સૂચના આપી. વિભીષણ વહેલી સવારે જ્યારે દરિયાકિનારે ગયા, ત્યારે વિભીષણનું રુપ ધારણ કરી અહિરાવણ સેનામાં દાખલ થઈ શ્રી રામ-લક્ષ્મણ સૂતા હતા ત્યારે તેમને મૂર્છા અવસ્થામાં બંદી બનાવી પાતાળમાં લઈ ગયા. ત્યારે સુગ્રીવ શ્રી હનુમાન અને વાનરસેનાને શ્રી રામ-લક્ષ્મણ ન મળતાં તેમની શોધ કરવા લાગ્યા. અંતે તેમને ખ્યાલ આવ્યો કે અહિરાવણ તેમને પાતાળમાં લઈ ગયો છે ત્યારે શ્રી હનુમાનજી સ્વયં તેમને છોડાવવા પાતાળમાં ગયા. શ્રી રામ માટે શ્રી હનુમાનજીએ પાતાળપુરીની રક્ષા કરતા પોતાના જ પુત્ર મકરધ્વજ સાથે યુદ્ધ કરી તેને બંદી બનાવી દીધો. ત્યારપછી અહિરાવણ સાથે યુદ્ધ કરી મહાબલી શ્રી હનુમાનજીએ અહિરાવણનો વધ કરી શ્રી રામ-લક્ષ્મણને છોડાવ્યા. પાછા ફરતા શ્રી રામની આજ્ઞાથી પોતાના પુત્ર મકરધ્વજને મુક્ત કરી પાતાળપુરીનો રાજા બનાવી દીધો.

ત્યારબાદ શ્રી રામના રાવણ સાથે ભયંકર યુદ્ધમાં રાવણનો વધ થયો. શ્રી રામે વિભીષણને લંકાના રાજા બનાવ્યા. વિભીષણે સૌ પ્રથમ સીતામાતાને સન્માનપૂર્વક મુક્ત કર્યાં.

રઘુ નંદન (શ્રી રામ ) પ્રિય ભક્ત હનુમાનજી

શ્રી રામ ભક્ત, રામકથાના રસિક, અજર-અમર, વજ્રદેહધારી, વૈરાગી શ્રી હનુમાનજી, બળના ધામ, સકલ ગુણોની ખાણ, વિદ્યા નિધિ અષ્ટ સિધ્ધિને નવનિધિના દાતા, સુવર્ણ દેહવાળાં, સ્વયં પ્રકાશક, વિવેક ચુડામણી, બળવીરોમાં સરતાજ, મહાવીર, જાગૃતિકાર, પ્રભુસેવાના સર્વશ્રેષ્ઠ સેવક, દુષ્ટોના યમરાજ, સજ્જનોના સેવક, મંગલમૂર્તિ, બ્રહ્મચારી, સંગીતજ્ઞ, ગરીબનિવાજ, શિવસ્વરુપ, મારુતિનંદન, શ્રી અંજલિકુમાર, કેસરી નંદન શ્રી હનુમાનજીને સૌ ભક્તજનોના કોટિ કોટિ વંદન....

શ્રી હનુમાનજી એટલે ચેતના, સ્વયંગતિ, ચેતના એટલે પરમાત્મા, પરમસત્તા, શ્રી હનુમાનજી શિવજીના અગિયારમા રુદ્ર અને અજર અમર મહાપ્રભુ છે. શિવ શંકરજી સ્વયં શ્રી હનુમાનજી સ્વરુપે છે. શ્રી રામની સેવા કરવી અને શ્રી રામમાં અનન્ય નિષ્ઠા રાખવી એ જ એમનું એકમાત્ર લક્ષ્ય હતું.

સીતામાતાની શોધ શ્રી હનુમાનજીએ કરી અને માતાએ તેમને બે વરદાન આપ્યા.

“અજર અમર ગુન નિધિ સુત હો હૂં...” અને

“અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવરદીન જાનકી માતા!”

જે વ્યક્તિ મનુષ્ય શ્રી હનુમાનજીની સાચા હૃદયથી પ્રાર્થના ભક્તિ કરે છે તેના તમામ કષ્ટ દૂર થાય છે. ભૂત-પિશાચ પણ તેની નિકટ આવી શકતા નથી અને બદીથી દૂર રહે છે. ભારતમાં ઘણા હનુમાન તીર્થસ્થાનોમાં આજે પણ જેને ભૂત-પિશાચનું વળગણ હોય, તે મંદિર પરિસરમાં પહોંચતા જ વ્યક્તિના શરીરમાંથી તે પિશાચ પીડાય છે અને તેને મુક્ત કરી ભાગી જાય છે. કોઈપણ સ્થાને રામકથા હોય તો શ્રી હનુમાનજી માટે અલગ આસન મુકાય છે. ત્યાં શ્રી હનુમાનજી અદ્દશ્ય સ્વરુપે પણ બિરાજમાન થઈ રામકથા સાંભળે છે. એમના હૃદયમાં શ્રી રામ – સીતાજી સદાય બિરાજમાન છે. સમગ્ર જગતને સીતારામમય સમજીને પ્રણામ કરતા રહો. શ્રી હનુમાનજી હાજરાહજૂર છે. તેમનું અને શ્રી રામનું નામ જપતા રહો.

જય શ્રી રામ...જય શ્રી હનુમાન...