પ્રસંગો અને તહેવારો
શ્રી કેમ્પ હનુમાનજી મંદિરની હનુમાન યાત્રા :
શ્રી હનુમાન જયંતિના એક દિવસ પહેલા શ્રી હનુમાનજી પોતાના કહેવાતા પિતા શ્રી વાયુદેવના આશિર્વાદ લેવા શ્રી કેમ્પ હનુમાનજી મંદિરથી અમદાવાદમાં જ વાસણા વિસ્તારમાં આવેલા શ્રી પવનદેવના મંદિર તરફ પ્રયાણ કરે છે. શ્રી કેમ્પ હનુમાનજી મંદિરથી નીકળતી આ હનુમાન યાત્રામાં શ્રી કેમ્પ હનુમાનજીનો રથ સવિશેષ શણગારવામાં આવે છે, તેમની આરતી થાય છે અને સાથે સાથે ટ્રકો, ટ્રકોમાં શણગારેલ ઝાંખીઓ, ભજનમંડળીઓ, બેન્ડ-નગારા-ઢોલ સાથે દર્શનાર્થીઓ પોતાના વાહનો જેવા કે કાર અને દ્વિચક્રી વાહનો દ્વારા મંદિરથી પ્રયાણ કરે છે.
14 કિલોમીટર લાંબી આ હનુમાન યાત્રામાં અલગ અલગ જગ્યાએ ભાવુક ભક્તો દ્વારા શ્રી કેમ્પ હનુમાનજીનું સ્વાગત અને આરતી-પૂજન કરવામાં આવે છે અને હનુમાન યાત્રામાં જોડાયેલા સ્વયંસેવકો અને દર્શનાર્થીઓ રસ્તામાં આવતા નગરજનોને બુંદી અને કેળાના પ્રસાદનું વિતરણ કરે છે. ઢોલ-નગારા-બેન્ડવાજા અને ભજનમંડળીઓ દ્વારા શ્રી હનુમાન ચાલીસાનુ ગાન થાય છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.
ત્યારબાદ શ્રી પવનદેવના મંદિરે હનુમાન યાત્રા પહોંચી શ્રી હનુમાનજી અને શ્રી પવનદેવની આરતી કરવામાં આવે છે. છપ્પનભોગનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ત્યારબાદ તમામ ભાવિક ભક્તો ભોજનમાં પ્રસાદનો લાભ લઈ તે જ દિવસે શ્રી હનુમાનજીના રથ સાથે હનુમાન યાત્રા નિજ મંદિરે પરત ફરે છે.
શ્રી હનુમાન જયંતિ
શ્રી કેમ્પ હનુમાનજી મંદિરમાં શ્રી હનુમાનજીનો જન્મ દિવસ અત્યંત ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. જેમાં લાખો પ્રભુ ભક્તોની મેદની શ્રી હનુમાનજીને વધાવવા અને તેમના દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. આ દિવસે રોજેરોજની નિત્ય પ્રવૃત્તિઓ સિવાય સવારે 11.00 વાગ્યે આરતી સાથે શુદ્ધ દૂધમાંથી બનાવેલ 101 કિલો માવાનો કેકનો પ્રસાદ શ્રી હનુમાનજીને ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું પ્રસાદ સ્વરુપે વિતરણ કરવામાં આવે છે. બાળકોને ચોકલેટ અને ફુગ્ગાઓનું વિતરણ કરવામાં આવે છે અને ત્યારબાદ શ્રી કેમ્પ હનુમાનજી મંદિર માટે (ભક્તો દ્વારા) સવિશેષ તૈયાર કરાવાયેલ ધ્વજાની ભગવાનશ્રી સમક્ષ નિયત પૂજન-પ્રક્રિયા બાદ ધ્વજારોહણ કરવામાં આવે છે કે જે એક અનેરા પ્રસંગ તરીકે ઉજવાય છે.
ધજારોહણ બાદ ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે કે જેનો તમામ ભાવિક ભક્તો આનંદ અને ઉલ્લાસપૂર્વક સંતોષથી શ્રી હનુમાનજીની પ્રસાદી સ્વરુપે લ્હાવો મેળવે છે.
શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શ્રી કેમ્પ હનુમાનજી મહારાજનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે કે જે એક અનન્ય તથા અનેરો હોય છે તથા શ્રી કેમ્પ હનુમાનજી મહારાજ પાસે જ બાળ સ્વરુપ હનુમાનજીને પારણામાં બેસાડી તેમને શ્રૃંગાર કરવામાં આવે છે. તેમજ સમસ્ત મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવે છે.
શ્રી હનુમાન જયંતિ નિમિત્તે લાડુ અને ફૂલવડીનો પ્રસાદ પણ ભાવિક
ભક્તોને તથા દર્શનાર્થીઓને વિતરણ કરવામાં આવે છે.
કાળી ચૌદશ
કાળી ચૌદશના દિવસે શ્રી હનુમાનજીના દર્શનનો વિશેષ લ્હાવો હોય છે. શ્રી કેમ્પ હનુમાનજી મંદિરમાં આ દિવસે રાત્રીના 12 વાગ્યે વિશેષ આરતી કરવામાં આવે છે અને વિશેષ પ્રસાદીરુપે ભક્તોને મેંશ અને કાળા દોરાનું વિતરણ કરવામાં આવે છે.
નવું વર્ષ
લાખો દર્શનાર્થીઓ નવા વર્ષના દિવસે શ્રી હનુમાનજીના દર્શનનો લાભ લઈ તેમના નવા વર્ષની શુભ શરુઆત કરે છે.
દેવ દિવાળી
દેવ દિવાળીના દિવસે શ્રી કેમ્પ હનુમાનજીનો શ્રૃંગાર સવિશેષ અને અનેરો હોય છે તથા આ દિવસે મંદિરને વિશેષ સજાવવામાં આવે છે. તથા ભગવાનને છપ્પનભોગનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ એ જ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
ઉત્તરાયણ
આ દિવસે પંજાબી સમાજ દ્વારા મંદિરમાં ઉત્સવ મનાવવામાં આવે છે અને ભોજન ભંડારો કરવામાં આવે છે. જેમાં સવારે ગોટા, જલેબી અને ચાના નાસ્તા પછી ભંડારો કરવામાં આવે છે.