શ્રી કેમ્પ હનુમાનજી મંદિરનો લઘુ ઈતિહાસ....
અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતુ હતુ. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણુ સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી પણ ભક્તોએ અને પુજારીઓએ ઈન્કાર કર્યો. અંગ્રેજોએ મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ તોડી નંખાવી, નાના મંદિરો તોડયા અને કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અંગ્રેજ અમલદારે એક અઠવાડિયા સુધી ભમરાઓને દૂર કરવા માટે મજૂરો મોકલ્યા. ભમરાઓ ફક્ત મજુરો પર જ હુમલો કરતા હતા. આ જોઈને અંગ્રેજ અમલદારે પણ નાછૂટકે આ ઘટનાને શ્રી હનુમાનજી દાદાનો ચમત્કાર સમજીને નિર્ણય બદલવો પડયો કે આ મંદિર હવે અહીં જ રહેશે. અમદાવાદના વિકાસ પહેલાં પણ હજારો ભક્તો પ્રભુને સાચા દિલથી પ્રાર્થના, અરજ કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરતાં હતાં અને આજે પણ સર્વેની મનોકામના પ્રભુ તેમના પુરુષાર્થી ભાવિકને સફળતા જ બક્ષે છે.
ઉપરોક્ત ઐતિહાસિક પ્રસંગ વંદનાબેન શુક્લ, શાસ્ત્રીનગર, અમદાવાદ વિક્રમ સંવત 2039, સને 1983, અખાત્રીજના દિવસે વિસ્તારપૂર્વક થી શ્રી કેમ્પ હનુમાનજીનું પુસ્તક પ્રકાશિત કરેલ તેમાંથી લેવામાં આવેલ છે.
આ ઉપરાંત, ભારતના પ્રથમ સ્ત્રી પ્રધાનમંત્રી શ્રીમતિ ઈન્દિરા ગાંધી પણ ચૂંટણીમાં વિજયી થતા તા. 9 માર્ચ 1980ના રોજ રવિવારે કોઈપણ જાહેરાત કર્યા વગર સ્વેચ્છાએ શ્રી માધવસિંહજી સોલંકી અને શ્રી ઘનશ્યામજી પંડિત સાથે શ્રી કેમ્પ હનુમાનજી મંદિરના દર્શનાર્થે પધાર્યા હતાં.
શ્રી કેમ્પ હનુમાનજી મંદિરના પરચા
શાસ્ત્રોમાં કહ્યું છે કે “શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાનમ્”. શ્રદ્ધા અને પરિશ્રમ, વિશ્વાસ અને ભક્તિથી દરેક કાર્યમાં સફળતા અવશ્ય મળે છે. આ વસ્તુ દરેક ધર્મમાં આપેલી છે. ગીતામાં પણ સાચું જ કહ્યું છે કે “સ્વ ધર્મ નિધનં શ્રેય”. દરેક વ્યક્તિએ પોતાના ધર્મનું પાલન કરતાં મરવું જ શ્રેષ્ઠ છે. તમામ ધર્મના મહાપુરુષો, દેવતાઓ ચમત્કાર કરતા આવ્યા છે, તેથી તેઓ મહાન કહેવાયા, પુજાયા, શ્રદ્ધાના પ્રતિક બન્યા. આ અનુસંધાને કેમ્પના હનુમાનજીના પરચાના પ્રસંગો સાદર કરીએ છીએ.
અંગ્રેજી શાસનકાળમાં આર્મીના એક અંગ્રેજ ઓફિસરને પણ હનુમાનજીનો ચમત્કાર થયો હતો. તેઓશ્રીએ સત્તાના મદમાં મંદિરના ભક્તો, પુજારીને હેરાન કરવા માંડ્યા. ત્યારે અચાનક ચમત્કાર થયો અને પોતે જ માનસિક અને શારીરિક પીડાથી પરેશાન થયા અને મનન ચિંતન કરતા તેને લાગ્યું કે ભગવાનના મંદિરને, ભક્તોને અડચણો આપવાથી હું દુ:ખી થયો છું. ત્યારે એક રોજ સવારે પાંચ વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ પ્રભુ પાસે આવીને બેસી ગયા. પ્રભુ અને પુજારી પાસે ક્ષમા માંગી અને મંદિર વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનું બંધ કર્યું. આ સત્ય પ્રસંગ છે. જેનો ઉલ્લેખ પુસ્તકમાં છે. તેઓ હિન્દુ નહિ હોવા છતાં પણ મંદિરના ભક્ત બન્યા.
આવો જ એક બીજો પ્રસંગ એક અંગ્રેજ ઓફિસરને થયો. કોઈ હિન્દુ નોકરે સંતાન માટે અંગ્રેજ પતિ-પત્નીને સંતાનની બાધા રાખવા માટે કહેતા પ્રભુકૃપાથી પુત્ર થતા તે બેન્ડ સાથે કેમ્પના હનુમાનજી મંદિરે દર્શન કરવા આવ્યા હતા. પુજારી શ્રી બદરીપ્રસાદજીએ તેમને પ્રેરણાં આપતા શનિવારે પોલીસ બેન્ડ વગાડવાનો હુક્મ કર્યો હતો. જેનું પાલન આજદિન સુધી નિયમિત કરવામાં આવે છે.
આજે આવા પ્રસંગોને સાહિત્યમાં આલેખવામાં સંગ્રહવામાં આવે તો હજારો ભક્તોને પ્રત્યક્ષ લાભ જેવા કે પરીક્ષા, લગ્ન, સંતાન, કોર્ટ કેસમાં વિજયી, ચૂંટણીમાં વિજયી અને અનેક કાર્યસિદ્ધિના જીવંત અનુભવો જણાવી શકે તેમ છે. આજે પણ અનેક મહાનુભાવો જેવા કે શ્રી કાશીરામજી રાણા અને શ્રી હરિનભાઈ પાઠક વિગેરે શનિવારે દર્શન કરવા પધારે છે.
ત્રીજો ચમત્કાર 2 જૂન, 1953ને મંગળવારના રોજ રાત્રે 10 વાગ્યે થયો હતો.
સ્વ. પુજારી શ્રી બદરીપ્રસાદજી ગજાનંદજી એ સમયે સવાર-સાંજ પૂજા કરતા હતા. સવારે 4 વાગે, 12 વાગે અને સાંજે 4 વાગે નદી સ્નાન કરી ત્રિકાળ સંધ્યા કરતા હતા.
1953, 2 જૂન મંગળવારે રાત્રે 10 વાગ્યે ધડાકા સાથે મૂર્તિનું ક્લેવર નીચે પડી ગયું હતું. હાજર તમામ વ્યક્તિઓ દોડીને આવ્યા અને આ દ્દશ્ય જોઈ ચકિત અને આનંદિત થયા હતા. મૂર્તિમાં પહેલા બે આંખો જ દેખાતી હતી, અંદરની આજની મૂર્તિનું સ્વરુપ કોઈ જાણતા ન હતા. જે મૂર્તિ પ્રગટ થઈ તેમાં મનુષ્ય મુખાકૃતિવાળા જે હનુમાનજી, બ્રાહ્મમણ વેશમાં લંકામાં વિભીષણને મળવા ગયેલા તે પ્રકારના દેખાતા હતા. પિતાંબર અને ખેસધારી, માથે મુગટ, પિતાંબરધારી પાછળ પૂંછડી, જમણા હાથથી આશિર્વાદ આપતા હોય તેવું દ્રશ્ય, ડાબા હાથમાં મુદંડી (મુદ્રિકા-વીંટી) ધારણ કરેલ જેમાં ચળકતો હીરો. આવું દ્રશ્ય જોઈને લાખો લોકો બીજા દિવસથી અદભુત મૂર્તિના દર્શનાર્થે ઉમટી પડયા. આવો પ્રસંગ ભારતમાં કદાચ આ પ્રથમ જ હશે. દર સુદ ચૌદસના રોજ શ્રી હનુમાનજીને તેલ, સિંદુર અને વરખ ચઢાવવામાં આવે છે ત્યારે જ સમગ્ર મૂર્તિના (સવાર-સાંજ પૂજાના સમયે) સુંદર દર્શન થાય છે. સવાર-સાંજ દરરોજ ફૂલોના શણગાર થાય છે. મૂર્તિ કલેવર બદલાયાને 2003ના વર્ષમાં બીજી જૂન સોમવારના રોજ પચાસ વર્ષ પૂર્ણ થયેલ છે. મૂર્તિ કલેવર બદલાયાને પચાસ વર્ષની ઉજવણી 1 લી જૂન રવિવારના રોજ ધાર્મિક પ્રસંગો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી.
શ્રી કેમ્પ હનુમાનજી મંદિર ટ્રસ્ટ તરફથી મૂર્તિ પ્રાગટ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ મહંતશ્રી ગોરધનપ્રસાદજી શર્મા, પ્રમુખ શ્રી પાર્થિવભાઈ અધ્યારુ અને શ્રી અરુણભાઈ શાહ ટ્ર્સ્ટીશ્રી, મેનેજીંગ ટ્ર્સ્ટી શ્રી વિષ્ણુપ્રસાદ શર્મા દ્વારા ઉજવણીનો કાર્યક્રમ નીચે પ્રમાણે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. 1 લી જૂન, 2003ને રવિવારે શ્રી કેમ્પ હનુમાનજી રથયાત્રા સવારે 8 વાગે નીકળી પાલડી નારાયણનગર પાસે વાયુદેવતાના મંદિરે ગઈ. રાત્રે 8 થી 11 સંતોનું સ્વાગત, પ્રાસંગિક પ્રવચન અને પુસ્તક વિમોચન તથા ભજન સમ્રાટ નિરંજન પંડયાના ભજનોનું આયોજન કરવામાં આવેલ. જેમાં હજારો ભક્તોએ લાભ લીધો હતો.
2 જૂન સોમવાર મૂર્તિ પ્રાગટ્ય દિવસ હતો ત્યારે સવારે 5-30 કલાકે મંગળા આરતી થઈ. છપ્પનભોગ ધરાવવામાં આવ્યા. સવારે 8 થી 10 સુધી શ્રી નંદકિશોર શાસ્ત્રીજીએ સુંદરકાંડના પાઠ કર્યા અને 10 થી 4 દરમ્યાન હનુમંતયાગ યજ્ઞ સમ્પન્ન થયો. 27 મે 2003 મંગળવારે ઉપરાષ્ટ્રપતિજી શ્રી ભૈરવસિંહજી શેખાવત બપોરે 12-15 કલાકે શ્રી કેમ્પના હનુમાનજી મંદિર દર્શનાર્થે પધાર્યા હતા.
શ્રી કેમ્પ હનુમાનજી મંદિરના આદ્યપુજારી (શ્રી ગજાનંદજી જગન્નાથજી પંડિત)ના જીવનના પ્રેરક પ્રસંગો :
શ્રી ગજાનંદજી શ્રી હનુમાનજીના અનન્ય ઉપાસક હતા. તેઓ કેમ્પ સદર બજારમાં રહેતા હતા. એક વખત મંગળવારના રોજ ભદ્રકાળી મંદિરથી ઘરે આવતા હતા. ત્યારે મંદિર થઈને આવવાનો રસ્તો હતો. મંદિરની પાસે એક પડછંદ શરીરવાળા સાધુ મહારાજે તેમને પાસે બોલાવ્યા. એ જમાનામાં શહેર બહારના દરેક મંદિરની બહાર સાધુઓના અખાડા રહેતા હતા. ગજાનંદજીએ પૂછયું મહારાજ શી આજ્ઞા છે ? આપની શું સેવા કરું ? સાધુ વેશે શ્રી હનુમાનજીએ કહ્યું કે તારી પાસે જે કંઈ ખાવાની વસ્તુ હોય તે મૂકી દે. ગજાનંદજીએ લોટની પોટલી મુકી દીધી અને પોતાની પાસેના દોરી અને લોટા વડે પાણી ભરી લાવ્યા. મહારાજશ્રી કાચો લોટ ફાકી ગયા અને પાણી પીધું. ગજાનંદજી સાથે ઘણી વાતો કરી, સૂચનાઓ આપી અને ફરી પાણી લાવવાનું કહી અદ્દશ્ય થઈ ગયા. પૂ. ગજાનંદજી એ જગ્યાએ આવ્યા. મહારાજશ્રીએ એમની ચારેબાજુ શોધ કરી, પણ સાધુ મહારાજ મળ્યા નહિ. પોતાનું પોટલું ઉપાડતા સોનાની પાદુકાઓ જોઈ. ઘરે લઈ ગયા અને પત્ની અને પુત્રીને પાદુકાઓ બતાવી. તેઓ સમજી ગયા હતા કે મારા પ્રભુ શ્રી હનુમાનજી પધાર્યા હતા. બીજા દિવસે કેમ્પ હનુમાન મંદિરમાં પ્રભુની મૂર્તિ પાસે પાદુકાઓ મુકી દીધી. જે ત્યારબાદના દિવસે પાદુકાઓ અલોપ થઈ ગઈ.

બીજો પ્રસંગ :
એક વખત શ્રી ગજાનંદજીએ અમદાવાદના બારે દરવાજા સાધુઓને ભંડારો કરી જમવા તેડાવ્યા. સાધુઓ માટે જમવાની વ્યવસ્થા કરી. અષાઢ માસ હતો, વાદળો ઘેરાઈ આવ્યા. રસોડાની રસોઈ બહાર જગન્નાથ મંદિરના મહંતશ્રી બેઠા હતા તેમણે કહ્યું કે ગજાનંદ વાદળો વરસી જશે તો આ રસોઈ બગડી જશે, સાધુઓ કાદવ-કીચડમાં બેસી શકશે નહી અને જમ્યા વગર જશે. વાયુપુત્ર શ્રી કેમ્પ હનુમાનજીને જઈને પ્રાર્થના કર તો વાદળો હટી જશે. શ્રી ગજાનંદજી હનુમાનદાદા આગળ ચોધાર આંસુઓથી પ્રાર્થના કરવા લાગ્યા કે આપ પવનદેવને તેડાવી આ વાદળો ખસેડો નહિ તો સંત ભક્તો ભૂખ્યા જશે. શ્રી હનુમાન દાદાએ પ્રાર્થના સાંભળી, ચમત્કાર થયો, વાયુદેવ પધાર્યા, વંટોળ આવ્યોને બધા વાદળો વિખેરાઈ ગયા. સાધુઓ પ્રેમપૂર્વક જમ્યા અને જમણવાર પૂર્ણ થયા બાદ સાંજે ધોધમાર વરસાદ આવ્યો.
ત્રીજો પ્રસંગ :
સાધુવેશે ભગવાને ગજાનંદજીને કહેલું હતું કે તારું મૃત્યુ શનિવારના રોજ થશે. શ્રી ગજાનંદજી મંગળવારના રોજ પોતાના પરિવાર સાથે બેઠા હતા અને તેમને પ્રભુ દેખાયા અને કહ્યું કે આજે તને મારા ધામમાં લેવા આવ્યો છું. ગજાનંદજી પ્રભુ સાથે વાતો કરતા હતા પણ પરિવારની કોઈ વ્યક્તિને તેઓ દેખાયા નહીં. ગજાનંદજીએ કહ્યું કે પ્રભુ આપના ધામમાં આવવા હું તૈયાર છું, પણ સાધુ વેશે આપેલું આપનું કથન કે મારું મૃત્યુ શનિવારે થશે એ મિથ્યા ઠરશે, પછી આપની જેવી આજ્ઞા. પ્રભુએ શનિવારે આવવાનું કહ્યું અને ચાર દિવસ પછી હનુમાનજી પધાર્યા. શનિવારે સાંજે પોતાના પુત્રોને બોલાવ્યા, સલાહ-સૂચનો આપ્યા અને આંખો બંધ કરી સાકેત લોક (સ્વર્ગ લોક)માં પ્રયાણ કર્યું. આવા સંતો જવલ્લે જ જોવા મળી શકે. તેમને સર્વેના કોટિ કોટિ વંદન.
ત્યારબાદ પૂજ્ય સંત ગજાનંદજીનો વારસો પૂજારી શ્રી બદરીપ્રસાદજીએ સંભાળ્યો. એવા જ તમામ ગુણ, સંસ્કાર, ભક્તિ, વૈરાગ્ય, ત્યાગ, સેવા અને ઉદારતા હતી. તેમણે સાંઈઠ વર્ષ જીવ્યાં ત્યાં સુધી ત્રિકાળ સંધ્યા કરી. ત્રણ વખત સાબરમતીમાં સ્નાન કરવા જતા હતા. કુવા કે નદી સિવાય નળનું આજીવન પાણી પીધું નહી. હિમાલય ક્ષેત્રના તીર્થધામો સિવાય યાત્રા કરતા નહીં. પોતાના ઘર કે મંદિર સિવાય કોઈને ત્યાં પાણી કે ભોજન લીધું નહી. બંને સમયની આરતી આજીવન એમણે જ કરી હતી. યોગાનુયોગ આજે પણ પ્રભુ કૃપાથી સવારની આરતી તેમના સુપુત્ર પરસોત્તમભાઈ કરે છે. તેમણે પણ પોતાના મૃત્યુનો સમય અમાસ કહ્યો હતો અને તે જ દિવસે તેઓ પ્રભુના ધામમાં સિધાવ્યા. પરિવાર સંપીને પૂજા કરે છે એ શ્રી હનુમાનદાદાની અસીમ કૃપાનું પરિણામ છે. પ.પૂજય મહંત શ્રી ગોરધનપ્રસાદજી ગજાનંદજીના ચોથા ક્રમના પુત્ર હયાત છે. તેમના આશિર્વાદ, માર્ગદર્શન, સંચાલન અને વડપણ હેઠળ મંદિરનું કાર્ય સુચારુરુપે ચાલી રહ્યું છે. પ્રભુ તેમને શતાયુ કરે તેવી સર્વેની અભ્યર્થના.
- પુજારી દ્વારકાપ્રસાદ શંકરપ્રસાદ પંડિત